ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષની લાંબી વાટાઘાટો પછી મંગળવારે ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને યુરોપિયન યુનિયનના નેતાઓએ 16મા ભારત-EU સમિટ દરમિયાન તેની જાહેરાત કરી હતી.
આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે. ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.
https://x.com/eucopresident/status/2016057067081965866?s=20
આ ડીલ બાદ, ભારતમાં BMW અને મર્સિડીઝ જેવી યુરોપિયન કાર પરનો ટેક્સ 110% થી ઘટાડીને 10% કરવામાં આવશે. આમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં આવશે. જોકે, આ છુટ વાર્ષિક 2.5 લાખ કારો પર જ મળશે. વધુમાં, યુરોપિયન દારૂ અને વાઇન પરના ટેક્સમાં ઘટાડો થઈ શકે છે. PTI મુજબ, યુરોપિયન દેશોના વાઇન પર હાલમાં 150% ટેરિફ લાગે છે. તે ઘટાડીને 20-30% કરવામાં આવશે.
ભારત-યુરોપ ટ્રેડ ડીલની સૌથી મોટી જાહેરાતો
- મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય
- યુરોપના બિયર પર 50%, લિકર પર 40% અને વાઈન પર 30% ટેરિફ નાબૂદ કરાશે
- યુરોપના ફ્રૂટ જ્યૂસ પર 100%, મશીનરી પર 44% અને કેમિકલ પર 22% ટેરિફ નાબૂદ
- યુરોપથી આવતી દવાઓ પર 44 ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદ કરાશે
- મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે
- ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે