ભારત અને ઓમાન વચ્ચે આજે ગુરુવારે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ઓમાનની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “સમુદ્રના મોજા બદલાય છે… ઋતુઓ બદલાય છે… પરંતુ ભારત-ઓમાન મિત્રતા દરેક ઋતુ સાથે વધુ મજબૂત બને છે. તે દરેક ઋતુ સાથે નવી ઊંચાઈઓ સુધી પહોંચે છે.” તેમણે જણાવ્યું હતું કે ભારત અને ઓમાન વચ્ચે થનારો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે CEPA આગામી ઘણા દાયકાઓ સુધી બંને દેશોના સંબંધોની દિશા નક્કી કરશે.
તેમણે તેને બંને દેશોના સહિયારા ભવિષ્યનો બ્લુપ્રિન્ટ ગણાવ્યો. મહત્વનું છે કે,પીએમ મોદી બુધવારે સાંજે ઓમાનની રાજધાની મસ્કત પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઓમાનના સંરક્ષણ બાબતોના નાયબ વડાપ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સઈદે મોદીનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ ઔપચારિક વાતચીત પણ કરી હતી. રાત્રે સઈદે પીએમ મોદી માટે ડિનર પણ રાખ્યું હતું.