ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારથી H-1B વિઝા અને H-4 વિઝા અરજદારોની ચકાસણીનો આદેશ આપ્યો છે. આ ચકાસણી આજથી (સોમવાર) શરૂ થશે. ચકાસણી દરમિયાન, દરેકના સોશિયલ મીડિયા પ્રોફાઇલની પણ તપાસ કરવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો આદેશ જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 15 ડિસેમ્બરથી, H-1B વિઝા અરજદારો અને તેમના આશ્રિતોની ઓનલાઈન હાજરીની સમીક્ષા કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, અમેરિકામાં રહેતા હજારો ભારતીય H-1B અને H-4 વિઝા ધારકોમાં તાજેતરમાં દૂતાવાસ તરફથી આવેલા એક ઈમેલને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે તેના ટેમ્પરરી વર્કિંગ વિઝા સાવચેતીના પગલા તરીકે રદ કરવામાં આવ્યા છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લાગુ કરાયેલી સ્કીમની જેમ અરજદારોની સોશિયલ મીડિયા ચકાસણી વધારવા માટે એક નવી સ્કીમ અમલમાં મૂકી છે, જે આ મામલાનું મૂળ કારણ હોવાનું મનાય છે.
ભારતમાં H-1B વિઝાના ઇન્ટરવ્યુ પહેલાથી જ મુલતવી રાખવામાં આવ્યા છે. ઇમિગ્રેશન એટર્ની એમિલી ન્યુમેનના મતે, આ વિઝા રદ કરવો એ એક કામચલાઉ અને સાવચેતીભર્યું પગલું છે, કાયમી રદ કરવું નહીં. H-1B અને H-4 વિઝા રદ કરવાની સંખ્યા એવા કિસ્સાઓમાં પણ વધી રહી છે જ્યાં અરજદારોનો અગાઉ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંપર્ક થયો હોય, પરંતુ તેમને કોઈ સજા થઈ ન હોય. ટેક્સાસના હ્યુસ્ટનના એક વકીલના મતે, આ રદ કરવાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યક્તિની કાનૂની સ્થિતિ પર કોઈ સીધી અસર થશે નહીં.