ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે આ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી 15 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 15 નવેમ્બર, 2025 ના રોજ ગુજરાતના ડેડિયાપાડાની મુલાકાત લેશે. આ મુલાકાત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ‘આદિવાસી ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે યોજાશે.
આ દરમિયાન પીએમ મોદી સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કરી શકે છે. અગાઉ રેલ વિભાગે 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે વડા પ્રધાન બેઠક કરશે અને અત્યાર સુધીની કામગીરીની માહિતી મેળવશે.
