આપણે ત્યાં અતિથિને દેવની ઉપમા આપવામાં આવી છે. માતા-પિતા અને આચાર્ય બાદ ‘અતિથિ દેવો ભવ:’ બોલવામાં આવે છે. આપણા વેદ-પુરાણ અને શાસ્ત્રોમાં જ મહેમાનોનો મહિમા છે, એવું નથી, પરંતુ શ્લોકથી લઇને લોક સુધી મહેમાન માટે મરી ફીટવાની તમન્ના જોવા મળે છે. ‘મહેમાનોને માન દલભર દીધા નહીં. મંદિર નહીં મસાણ સાચું સોરઠિયો ભણે.’ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘણીવાર વિદેશ પ્રવાસ દરમિયાન ભારતની સંસ્કૃતિ અતિથિ દેવો ભવ:ની રહેલી છે તેવી વાત કરી ચૂક્યા છે. જોકે, આજે એ પ્રશ્ન થાય છે કે શું આ ભાવના હવે ખરેખર રહી છે? શું વિદેશથી આવતા મહેમાનોનું ખરેખર આપણે હૃદયથી માન સન્માન કરીએ છીએ? ખાસ કરીને વિદેશી મહિલા પર્યટકો અહીં સુરક્ષિત છે?
આ પ્રશ્ન એટલા માટે કારણકે હાલમાં એક વિદેશી મહિલા પર્યટકનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદેશી મહિલા ટૂરિસ્ટ ભારતના કોઈ શહેરમાં યાત્રા કરતી જોવા મળે છે. જે કારમાં બેઠી છે અને અચાનક એક અજાણ્યો વ્યક્તિ કારનો દરવાજો ખોલી દે છે અને મેડમ…મેડમ બોલવા લાગે છે. અચાનક દરવાજો ખોલતા વિદેશી મહિલા ગભરાઈ જાય છે, તે પોતાની જાતને અસુરક્ષિત અનુભવે છે. તે દરવાજો બંધ કરી દે છે અને કારના ડ્રાઈવરને પૂછે છે કે શું તમે આને ઓળખો છે, ચલો અહીંથી.
https://x.com/Prashanttpk/status/1937107596231548959
આપને જણાવી દઈએ કે, આ વીડિયો સામે આવ્યા બાદ અમેરિકન સરકારે પણ પોતાના નાગરિકોને લઈ એક એડવાઈઝરી જાહેર કરી છે.આમાં અમેરિકાની સરકારે ભારતમાં મુસાફરી કરતી વખતે વધુ સાવધાની રાખવા તેના નાગરિકોને વિનંતી કરી છે. અમેરિકાના વિદેશ વિભાગની સલાહકારે કહ્યું છે કે ભારતમાં ગુના અને આતંકવાદનું જોખમ વધી રહ્યું છે. સાથે જ મહિલાઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ પણ વધી રહી છે, જેના કારણે અમેરિકન મહિલાઓને ભારતમાં એકલા પ્રવાસે ન જવા ટાળવા જણાવ્યું છે.
અમેરિકન સરકારની આ એડવાઈઝરીએ ક્યાંક ભારતના માન-સન્માનને ઠેસ પહોંચાડી છે, ભારતની સંસ્કૃતિને ઠેસ પહોંચાડી છે. પરંતુ આ પાછળનું કારણ કેટલાક ભારતીયો છે, જેમના કારણે વિદેશમાં ભારતની છબિ ખરડાઈ રહી છે.