અમદાવાદ RTO ઓફિસમાં બોમ્બની ધમકીથી હાહાકાર

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા અને સુરતની RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું.

ધમકીભર્યો સંદેશ મળ્યા બાદ પોલીસ અને તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરીને કચેરી ખાલી કરાવી હતી, જેથી કર્મચારીઓ, અરજદારો અને પરીક્ષા માટે આવેલા ઉમેદવારોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ધમકીની જાણ થતાં જ અમદાવાદ RTO સત્તાધીશોએ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે તાત્કાલિક ધોરણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા.

આ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતની RTO કચેરીએ પણ પોલીસે તાત્કાલિક પહોંચી સુરક્ષા વ્યવસ્થા સઘન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

Share This Article