T-20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત ચેમ્પિયન બની ભારતે રચ્યો ઇતિહાસ

Chintan Suthar

ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2026 પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને તિરંગો લહેરાવ્યો. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમે એકથી વધુ ઇતિહાસ રચ્યા. ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલ મેચમાં 96 રનના શાનદાર વિજય સાથે ભારતે સળંગ બે ટી20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી તો આ સાથે ભારત એવો પ્રથમ દેશ બન્યો હતો જેણે પોતાના ઘરઆંગણે એટલે કે યજમાનીમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હોય. ભારતે આ અગાઉ રોહિત શર્માની આગેવાનીમાં 2024માં પણ ટી20 વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતે બેટિંગ અને બોલિંગમાં વર્ચસ્વ જમાવતી રમત દાખવી હતી. સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઇશાન કિશનની અડધી સદી બાદ બોલિંગમાં જસપ્રિત બુમરાહની ચાર અને અક્ષર પટેલની ત્રણ વિકેટે મેચને એકતરફી બનાવી દીધી હતી. ભારતના 255 રનના તોતિંગ સ્કોર બાદ રમતના કોઈ પણ તબક્કે ન્યૂઝીલેન્ડ જીતવાની તક મળી ન હતી. ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં 159 રન કરી શકયું હતું. આમ, ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. આમ, ભારતીય T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બની છે.

ભારત તરફથી સૌથી વધુ સંજૂ સેમસને 89 રન ફટકાર્યા હતા. જ્યારે અભિષેક શર્માએ 52 અને ઈશાન કિશને 54 રન બનાવ્યા હતા. આ સિવાય શિબમ દુબેએ 26, હાર્દિક પંડ્યાએ 18 રનની ઈનિંગ રમી. જ્યારે બોલિંગમાં વાત કરીએ તો ભારતના સૌથી ખતરનાક બોલર જસપ્રિત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે ત્રણ વિકેટ લીધી હતી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *