યાત્રિયોની સુવિધા તથા તેમની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા પર જૂનાગઢ અને ચલાલા સ્ટેશનો વચ્ચે 23 ફેબ્રુઆરી, 2026 (સોમવાર)થી દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી દરમિયાન ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લઈ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે.
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને મીટરગેજ સેક્શન પર જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ (સોમવાર) થી આ ટ્રેન વિશેષ ભાડા સાથે નિયમિતપણે દોડતી થશે. જૂનાગઢથી આ ટ્રેન સવારે ૧૦:૪૦ કલાકે ઉપડશે અને બપોરે ૧૪:૧૦ કલાકે ચલાલા પહોંચશે, જ્યારે પરતમાં ચલાલાથી બપોરે ૧૪:૪૦ કલાકે રવાના થઈ સાંજે ૧૭:૩૫ કલાકે જૂનાગઢ પરત ફરશે.
આ નવી ટ્રેન સેવા જૂનાગઢ અને ચલાલા વચ્ચેના પ્રવાસને વધુ સરળ બનાવશે અને માર્ગમાં આવતા તોરણીયા, બીલખા, જૂની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી જેવા મહત્વના સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. સ્થાનિક મુસાફરો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તે રોજિંદા અવરજવર કરતા લોકોને રેલવે કનેક્ટિવિટીનો લાભ આપશે. ભાવનગર મંડળના આ નિર્ણયથી સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે.