ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને કેતન મહેતા, જે ભારતીય સિનેમાની બે સૌથી મોટી ક્રિએટિવ શક્તિઓ છે, હવે એક એવી ઐતિહાસિક વાર્તા બતાવવા માટે સાથે આવ્યા છે. સંજય લીલા ભણસાલીએ કેતન મહેતા સાથે મળીને “જય સોમનાથ” ફિલ્મની જાહેરાત કરી છે, જે ભારતીય સંસ્કૃતિની એક ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા છે. ભારતીય સિનેમામાં આ બે મહાન સર્જનાત્મક શક્તિઓનું એકત્ર થવું ખરેખર રોમાંચક છે, જે પડદા પર એક અનોખો અને ભવ્ય દેખાવ રજૂ કરવાનું વચન આપે છે.
મહા શિવરાત્રી નિમિત્તે ભણસાલીએ એક વીડિયો શેર કરીને પોતાના આ હિસ્ટોરિકલ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. સાથે જ તેમણે ફિલ્મના ટાઈટલ અને રિલીઝ વિશે પણ ખુલાસો કર્યો છે. સંજય લીલા ભણસાલીએ 15 ફેબ્રુઆરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક વીડિયો શેર કરતા આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી. તેમણે ફિલ્મનું નામ ‘જય સોમનાથ’ રાખ્યું છે. ફિલ્મની રિલીઝ અંગે ખુલાસ કરતા સંજયે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, મંદિર તોડી શકાય, આસ્થા નહીં. સંજય લીલા ભણસાલી પ્રસ્તુત કરે છે ‘જય સોમનાથ’. ડિરેક્ટેડ બાય કેતન મહેતા. તેમણે પોસ્ટમાં જણાવ્યું કે, આ ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં 2027માં રિલીઝ થશે.
શેર કરવામાં આવેલા વીડિયોથી અંદાજ લગાવી શકાય છે કે, સંજયની આ ફિલ્મ ઈ.સ.1025-26ની ઘટનાઓ પર આધારિત હશે, જ્યારે મેહમૂદ ગઝ્નવીએ ગુજરાતના સોમનાથ મંદિર પર આક્રમણ કરી તેને લૂંટ્યૂં હતું. જોકે, આ વીડિયોમાં પ્રોજેક્ટ વિશે વધારે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.