અમેરિકાની ગુલાંટ, ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ને ભારતનો હિસ્સો ગણાવતી પોસ્ટ કરી ડિલીટ

Chintan Suthar

અમેરિકાની યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતનો એક એવો નકશો શેર કરવામાં આવ્યો હતો, જેણે વૈશ્વિક સ્તરે રાજદ્વારી ચર્ચાઓ છેડી દીધી છે. આ નકશામાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) અને ચીન દ્વારા કબજે કરાયેલા અક્સાઈ ચીનને ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ટૂંક સમયમાં જ અમેરિકાએ આ પોસ્ટ હટાવીને ‘યુ-ટર્ન’ લીધો છે.

શું હતો સમગ્ર મામલો?

ગયા અઠવાડિયે USTR એ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના વચગાળાના ફ્રેમવર્ક સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં અમેરિકન ઉત્પાદનો(જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેન, લાલ જુવાર, ફળો વગેરે) માટે ભારતમાં નવા બજાર ખુલવાની વાત હતી. અમેરિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ટ્રી નટ્સ અને ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેનથી લઈને લાલ જુવાર અને તાજા તથા પ્રોસેસ્ડ ફળો સુધી, અમેરિકા-ભારત સમજૂતી અમેરિકન ઉત્પાદનો માટે નવા માર્કેટ એક્સેસ આપશે.’ આ ઐતિહાસિક જાહેરાતની વિગતો શેર કરતી વખતે USTR એ ‘X’પર ભારતનો નકશો મૂક્યો હતો.

સામાન્ય રીતે, અમેરિકાના સત્તાવાર નકશાઓમાં PoK અને અક્સાઈ ચીનને વિવાદિત વિસ્તારો તરીકે અલગ રીતે દર્શાવવામાં આવે છે અથવા પાકિસ્તાન-ચીનના દાવાઓને ધ્યાનમાં રાખીને ચિહ્નિત કરવામાં આવે છે. પરંતુ, USTR ની આ પોસ્ટમાં ભારતની સરહદોને એવી રીતે દર્શાવવામાં આવી હતી જે ભારત સરકારના સત્તાવાર નકશા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી હતી. આમાં કોઈ પણ વિવાદિત રેખા વગર સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો હતો. વૈશ્વિક સ્તરે આ એક મોટી ઘટના ગણાય કારણ કે સામાન્ય રીતે પશ્ચિમી દેશો વિવાદિત વિસ્તારોને અલગ રીતે દર્શાવતા હોય છે. પરંતુ હવે આ પોસ્ટ હટાવી લેવાતા અમેરિકાના ‘સ્ટેન્ડ’ પર સવાલો ઉઠી રહ્યા છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *