વટવામાં ડિમોલિશન : 400 જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વટવા વિસ્તારમાં આવેલા વાનરવટ તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના તળાવોને દબાણમુક્ત કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ત્યારે ચંડોળા અને ઈસનપુર બાદ આજે વટવામાં ડિમોલિશન કરવામાં આવ્યું છે.

વહેલી સવારથી વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તળાવની અંદર અને તેની આસપાસ ખડકાયેલા 400 જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. ઝોન-6 પોલીસ સ્ટેશનના આશરે 500 જેટલા પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે અને AMCના 300થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે. આ દબાણો દૂર કરવા માટે 10 હિટાચી મશીન, 5 જેસીબી અને મોટી સંખ્યામાં મજૂરોની ટીમ કામે લગાડવામાં આવી છે. આ ડિમોલિશનની કામગીરી દરમિયાન અસરગ્રસ્ત થયેલા પરિવારો માટે તંત્ર દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ઘર વિહોણા બનેલા આશરે 200 જેટલા લોકોને કોર્પોરેશનના આશ્રય સ્થાન (Night Shelter) માં સુરક્ષિત રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે.

Share This Article