સંસદના શિયાળુ સત્રનો આજે ગુરુવારે 14મો દિવસ છે. ત્યારે આજે વિકસિત ભારત ‘જી રામ જી’ બિલ લોકસભામાં ભારે હોબાળાની વચ્ચે પસાર થઈ ગયું છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ) બિલ, જેને VB-G રામ જી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના પર પ્રતિક્રિયા આપી. આ દરમિયાન, વિપક્ષે બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું. વિપક્ષના સાંસદોએ વેલમાં પહોંચી ગયા અને બિલની કોપી ફાડી કાગળો ફેંકાયા હતા.
વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભામાં ‘VB-G RAM G’ (જી રામ જી) બિલ લોકસભામાં મંજૂર કરી દેવામાં આવ્યું છે. જોકે, આ બિલના વિરોધમાં વિપક્ષે આક્રમક વલણ અપનાવતા ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી.વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાના જોગવાઈઓને નબળી પાડવામાં આવી રહી છે.
શું છે નવા બિલમાં
આ બિલ દ્વારા સરકાર ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને નવું નામ અને નવું માળખું આપી રહી છે. સરકારનો દાવો છે કે આ ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આજીવિકા મિશનને વધુ મજબૂત બનાવશે, જ્યારે વિપક્ષ તેને ઐતિહાસિક યોજનાને ખતમ કરવાનું કાવતરું ગણાવી રહ્યો છે.