કેનેડામાંથી ભારતીય નાગરિકોના બળજબરીપૂર્વક દેશનિકાલના આંકડાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જંગી વધારો જોવા મળ્યો છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) ના ડેટા મુજબ, દેશનિકાલની સંખ્યામાં ભારત બીજા ક્રમે છે, જે આ વર્ષે 28 જુલાઈ સુધીમાં 1,891 પર પહોંચી ગઈ છે, જ્યારે 2019માં આ આંકડો માત્ર 625 હતો.આ સાથે જ કેનેડામાંથી ડિપોર્ટ કરાયેલા લોકોની યાદીમાં ભારત મેક્સિકો પછી બીજા સ્થાને છે.
કેનેડિયન વડા પ્રધાન માર્ક કાર્નીએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે કે તેમની સરકાર વિદેશી ગુનેગારોને તેમના દેશોમાં દેશનિકાલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ‘ટ્રેકિંગ સુધારવા’ અને ‘વધુ સારા સંસાધનો’ પૂરા પાડવાની યોજના છે. તાજેતરમાં 450 ટપાલના ટુકડાઓની ચોરીના આરોપમાં 8 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે, જે બાદ તેમની સામે પણ ન્યાયિક પ્રક્રિયા દ્વારા દેશનિકાલની કાર્યવાહી થઈ શકે છે.
