ભારતના મિત્ર દેશ એવા ઈટાલીએ હવે તેમના દેશમાં બુરખો કે નકાબ પહેરવા પર દંડની જાહેરાત કરી છે.ઈટાલીમાં જ્યોર્જિયો મેલોનીની સરકારે એક એવું બિલ સંસદમાં રજૂ કર્યું છે જેણે સમગ્ર દેશ અને યુરોપમાં ધાર્મિક સ્વતંત્રતા અને સામાજિક એકીકરણ પર નવી ચર્ચા જગાવી છે.
આ બિલ હેઠળ, જાહેર સ્થળોએ બુરખો અને નકાબ જેવા ચહેરા ઢાંકતા કપડાં પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જોગવાઈ છે. આ નિર્ણયને મેલોની સરકાર ‘ઈસ્લામી અલગતાવાદ’ને રોકવા અને ‘સામાજિક એકતા’ મજબૂત કરવાના પગલા તરીકે રજૂ કરી રહી છે.

આ બિલ 8 ઓક્ટોબરના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલમાં શાળા, યુનિવર્સિટી, દુકાનો, ઓફિસો અને અન્ય તમામ જાહેર સ્થળોએ ચહેરાને સંપૂર્ણપણે ઢાંકતા કપડાં પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
26,000 થી 2.6 લાખ રુપિયા સુધીનો દંડ
આ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ પર 300 થી 3,000 યુરો (લગભગ 26,000 થી 2.6 લાખ રુપિયા) સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. મેલોની સરકાર દાવો કરે છે કે આ પગલું ઇટાલીની સામાજિક એકતાને મજબૂત કરશે અને ‘સાંસ્કૃતિક અલગાવ’ને જડમૂળથી સમાપ્ત કરશે.
