ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ પાંચ દેશોના વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે. ત્યારે આ દરમિયાન પીએમ મોદીના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. નરેન્દ્ર મોદી ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા છે જેમને વિશ્વના 26થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ યાદીમાં તાજેતરનું નામ આફ્રિકન દેશ નામિબિયાનું છે. પીએમ મોદીને બુધવારે નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટિ્શયા મિરાબિલિસ’ થી એનાયત કરાયા હતા. આ પુરસ્કાર તેમને દક્ષિણ આફ્રિકન દેશની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન આપવામાં આવ્યો હતો.
અગાઉ બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમને ભારત-બ્રાઝિલ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા બદલ આપવામાં આવ્યું હતું.
આ મુસ્લિમ દેશોમાં સર્વોચ્ચ પુરસ્કારોથી કરાયા છે સન્માનિત
વર્ષ 2014 માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીને ઘણાં દેશો તરફથી સન્માન મળી રહ્યા છે. સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, કુવૈત જેવા ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ પણ તેમને તેમના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે.