વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને વાળ કાપવા માટે મજબૂર કરવા, તેમને મોડી રાત સુધી જાગતા રાખવા અથવા વારંવાર મૌખિક રીતે અપમાનિત કરવા જેવી રેગિંગની કેટલીક સામાન્ય અને ચિંતાજનક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ કહ્યું છે કે સિનિયર્સ દ્વારા વોટ્સએપ પર જુનિયર્સને હેરાન કરવાને હવે રેગિંગ ગણવામાં આવશે. જો આવું કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
UGCની કડક માર્ગદર્શિકા
યુજીસીએ આ સંદર્ભમાં કડક માર્ગદર્શિકા જારી કરી છે. તેણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એવા અનૌપચારિક વોટ્સએપ ગ્રુપ્સ પર નજર રાખવા સૂચના આપી છે જે જુનિયર્સને હેરાન કરવા માટે બનાવવામાં આવ્યા છે. યુજીસીને દર વર્ષે નવા વિદ્યાર્થીઓ તરફથી સિનિયર્સ દ્વારા હેરાનગતિની ડઝનબંધ ફરિયાદો મળે છે.
યુજીસીએ જણાવ્યું છે કે, “ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે સિનિયર્સ અનૌપચારિક વોટ્સએપ ગ્રુપ બનાવે છે, તેમાં જુનિયર્સને ઉમેરે છે અને પછી તેમને માનસિક હેરાનગતિનો ભોગ બનાવે છે. આ પણ રેગિંગ હેઠળ આવે છે અને શિસ્તભંગની કાર્યવાહીને પાત્ર બનશે.”