બાંગ્લાદેશ સામે ભારતની લાલઆંખ, આર્થિક રીતે ઘેરવાની તૈયારી શરૂ

Chintan Gohil
By Chintan Gohil 2 Min Read

ભારત પહેલગામ હુમલા પછી, સતત એક્શન મોડમાં છે. પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવ્યા પછી, સરકાર હવે પાકિસ્તાનને ટેકો આપતા દેશો અને તેની નજીકના દેશોને નિશાન બનાવી રહી છે. તેમાં તુર્કીયે અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. ત્યારે હવે ભારતે બાંગ્લાદેશને પણ સબક શિખવાડવાની શરૂઆત કરી દીધી છે. ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રૂટ અને ફ્રૂટની સુગંધવાળાં ‘સોફ્ટ-ડ્રીંક્સ’ તેમજ કાર્બોનેટેડ ડ્રીન્કસની આયાત પ્રતિબંધિત કરી છે. જમીન માર્ગે તેમજ સમુદ્ર માર્ગે પણ આવતો બાંગ્લાદેશનો માલ હવે ભારતમાં મળી નહીં શકે.

તમામ પોર્ટથી આયાત પર પ્રતિબંધ

શનિવારે (17 મે) ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશથી તૈયાર વસ્ત્રોની આયાત હવે ફક્ત બે પોર્ટ, ન્હાવા શેવા અને કોલકાતા પોર્ટ સુધી મર્યાદિત રહેશે, જ્યારે અન્ય તમામ પોર્ટથી આયાત પર પ્રતિબંધ રહેશે. અર્થ સ્પષ્ટ છે કે હવે બાંગ્લાદેશ લેન્ડ પોર્ટને બદલે ફક્ત દરિયાઈ પોર્ટ દ્વારા નિકાસ કરી શકશે.

ભારતના પગલાથી બાંગ્લાદેશને 770 મિલિયન ડૉલરનું નુકસાન

બાંગ્લાદેશના વ્યાપાર વાણિજય ઉપર ભારતે મુકેલા પ્રતિબંધોની અત્યંત ગંભીર અસર થઈ રહી છે, કારણ કે બાંગ્લાદેશની કુલ નિકાસ પૈકી ૭૦ ટકાથી વધુ નિકાસ તો ભારતમાં જ થાય છે. તેમજ તેની આયાત પૈકી ૪૨ ટકા આયાત ભારતમાંથી થાય છે. પરિણામે ભારત દ્વારા લેવામાં આવેલા આ પગલાથી બાંગ્લાદેશને 770 મિલિયન ડૉલર લગભગ 9,367 કરોડ બાંગ્લાદેશી ટાકાના માલ પર અસર થઈ શકે છે અને આ આંકડો કુલ દ્વિપક્ષીય આયાતના લગભગ 42 ટકા છે.

Share This Article