જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં 22મી એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમને ગોળી મારીને હત્યા કર્યાનો દાવો કરાયો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ત્યારથી તણાવ છે. તણાવની આ સ્થિતિમાં ભારતને અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ, ઈઝરાયલ જેવા દેશોનો સાથ મળ્યો છે. ત્યારે હવે ઈન્ડોનેશિયાએ પણ ભારતને આતંકવાદ સામેની લડાઈમાં સાથ આપવાનું કહ્યું છે.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ હુમલાની કરી નિંદા
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટોએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ‘ઈન્ડોનેશિયામાં પાળવામાં આવતો ઇસ્લામ આવા આતંકી હુમલાઓ શીખવતો નથી. અમે આ આતંકી હુમલાનો સામનો કરવામાં ભારતની સાથે છીએ. કોઈપણ પ્રકારનો આતંકવાદ કોઈ પરિણામ આપી ના શકે. તેથી આપણે હથિયારો છોડી દીધા પછી જ વાત કરવી જોઈએ.’
નોંધનીય છે કે, ઈન્ડોનેશિયાના ટોચના નેતાએ તેમના દેશમાં તહેનાત ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીને આ વાત કહી. રાષ્ટ્રપતિએ આ બેઠક ફક્ત પહલગામ આતંકી હુમલાની ચર્ચા કરવા માટે બોલાવી હતી.