મુંબઈ ઈન્ડિયન્સે જયપુરમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને 100 રનના વિશાળ અંતરથી હરાવીને શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે મુંબઈ 11 મેચમાં સાત જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયુ છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું.
રાજસ્થાન રોયલ્સ માટે, કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 217 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન ટીમ માટે સૌથી મોટા હીરો સાબિત થયા હતા. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 16.1 ઓવરમાં માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન મુંબઈના બોલિંગ આક્રમણ સામે ટકી શક્યો નહોતો.
મુંબઈના બોલરોનો તરખાટ
મુંબઈના બોલરોએ રાજસ્થાનની બેટિંગ લાઇનઅપને ધરાશાયી કરી દીધી હતી. કર્ણ શર્માએ 23 રન આપીને ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 2.1 ઓવરમાં 28 રન આપીને ત્રણ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. જસપ્રીત બુમરાહે પણ પોતાની ચુસ્ત બોલિંગથી ચાર ઓવરમાં માત્ર 15 રન આપીને બે વિકેટ લીધી હતી. મહત્વનું છે કે આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સને 13 વર્ષ પછી જયપુરમાં આઈપીએલમાં જીત મળી છે. આ પહેલા મુંબઈએ 2012માં જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચ 10 વિકેટથી જીતી હતી. હવે 13 વર્ષ પછી હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં જયપુરમાં મુંબઈનો વિજય ખાતું ખુલ્યો છે.