સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા કે શાંતિથી સમય પસાર કરવા જતા નાગરિકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાને પોલીસકર્મી ગણાવી યુવક-યુવતીને ડરાવી-ધમકાવી તેમની પાસેથી ઓનલાઇન ₹10,000 પડાવ્યાના આરોપમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે એક શખસને ઝડપી પાડ્યો છે. આરોપીએ કપલના અંગત ફોટા પરિવારજનોને મોકલી દેવાની અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
પકડાયેલા આરોપીની ઓળખ ગોમતીપુરના મોહમ્મદ હુસૈન ઉર્ફે ‘હડ્ડી’ કમરૂદ્દીન શેખ તરીકે થઈ છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પુરાવા એકત્રિત કર્યા બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

વહેલી સવારે 4 વાગ્યે કપલને બનાવ્યું નિશાન
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 24 મેના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યે એક યુવક અને યુવતી સાબરમતી રિવરફ્રન્ટ પર એરોડ્રોમ પાછળ આવેલા વોક-વે પર બેઠાં હતાં. આ દરમિયાન આરોપી ત્યાં પહોંચ્યો હતો અને પોતે પોલીસકર્મી હોવાનો રોફ જમાવી કપલ સાથે ગેરવર્તણૂક કરી હતી.
આરોપીએ બંનેને ગાળો આપી ધમકાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેમના મોબાઇલ ફોન પણ લઈ લીધા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ યુવક-યુવતીને તેમના ફોટા પરિવારજનોને મોકલી દેવાની અને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી.
ફોટા વાયરલ કરવાની ધમકી આપી ₹10,000 પડાવ્યાનો આરોપ
ફરિયાદ મુજબ, બદનામીના ડરથી ગભરાયેલા કપલ પાસે આરોપીએ ₹10,000ની માંગણી કરી હતી. યુવક પાસે તાત્કાલિક પૂરતી રકમ ન હોવાથી તેણે પોતાના મિત્રનો સંપર્ક કર્યો હતો અને ઓનલાઇન ₹6,000 મંગાવ્યા હતા. યુવકના ખાતામાં રહેલી રકમ સાથે કુલ ₹10,000ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્યારબાદ આરોપીએ પોતાનો QR કોડ સ્કેન કરાવી રકમ ઓનલાઇન પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હોવાનો આક્ષેપ છે. પૈસા મેળવી લીધા બાદ પણ આરોપીએ કપલને આ મામલે કોઈને જાણ ન કરવા અને મોં બંધ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે.
ભોગ બનનાર કપલે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો
આ ઘટનાથી ગભરાઈ જવા છતાં ભોગ બનનાર કપલે હિંમત દાખવી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની વિગતો સહિત ઉપલબ્ધ પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસે કેસને ગંભીરતાથી લઈને આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઓડિયો-વીડિયો સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ત્યારબાદ પોલીસે ગોમતીપુર વિસ્તારમાંથી મોહમ્મદ હુસૈન ઉર્ફે ‘હડ્ડી’ કમરૂદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો.

શું રિવરફ્રન્ટ પર અન્ય લોકોને પણ બનાવ્યા હતા નિશાન?
આરોપીની ધરપકડ બાદ તપાસમાં એક મહત્ત્વનો સવાલ એ છે કે શું તેણે અગાઉ પણ રિવરફ્રન્ટ પર આવતા અન્ય યુવક-યુવતીઓને આ જ રીતે ડરાવી-ધમકાવી પૈસા પડાવ્યા હતા? પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યુ છે.
આ ઘટનાએ જાહેર સ્થળોએ પોતાને પોલીસકર્મી ગણાવીને નાગરિકોને ધમકાવતા તત્ત્વો સામે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી ઉજાગર કરી છે. કોઈ વ્યક્તિ પોલીસ હોવાનો દાવો કરીને ડરાવે, મોબાઇલ ફોન લઈ લે અથવા પૈસાની માંગણી કરે તો તેની ઓળખની ખરાઈ કર્યા વિના પૈસા ચૂકવવાને બદલે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ.
