હાલમાં જ અમદાવાદના ચાંદખેડામાં એક ડેરીના ખીરામાંથી ઢોંસા બનાવીને ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોત થયાના અહેવાલ સામે આવ્યા હતા. જોકે હજી સુધી આ મામલે તપાસ ચાલી રહી છે. તેવામાં અમદાવાદથી ફૂડ પોઈઝનિંગની વધુ એક ઘટના સામે આવી છે જેણે લોકોને હચમચાવી દીધા છે.
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક પ્રસંગ બાદ મોટી દુર્ઘટના સામે આવી છે. ગામમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ 50થી વધુ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. પ્રસાદમાં સેવ-ખમણી ખાધા બાદ લોકોને ઉલટી અને ઉબકાની ફરિયાદ થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.
રાજપુરા ગામે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રસાદી રૂપે ભોજન લીધું હતું. ભોજનમાં સેવ-ખમણી પીરસવામાં આવી હતી. જમ્યાના થોડા જ સમય બાદ એકપછી એક લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી. જોતજોતામાં અસરગ્રસ્તોનો આંકડો 50ને પાર કરી ગયો હતો.
તબિયત લથડતા જ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.વધુ અસરગ્રસ્ત દર્દીઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કેટલાક ગ્રામજનોને નજીકની ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.પ્રાથમિક વિગતો મુજબ, હાલ તમામની હાલત સ્થિર છે, પરંતુ તકેદારીના ભાગરૂપે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
