હાલમાં દેશભરમાં ક્યાંક કરા સાથે ભારે વરસાદ તો વળી ક્યાંક વાવાઝોડા સાથે માવઠાની સ્થિતિ પ્રવર્તી રહી છે તેવામાં નવા અહેવાલ એવા સામે આવ્યા છે કે આ વર્ષે અલ નીનોના પ્રભાવથી વરસાદ ઓછો પડશે અને ઓવરઓલ ચોમાસું નબળું રહેશે. જેની સીધી અસર કૃષિ અને અર્થતંત્ર પર દેખાશે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, પેસિફિક મહાસાગરમાં બનતો અલ નીનો આ વર્ષે વિશ્વ માટે એક મોટો પડકાર ઉભો કરી શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે આ અલ નીનો અત્યંત શક્તિશાળી હોઈ શકે છે, જે હવામાનની પેટર્ન બદલી શકે છે અને ઘણા દેશોમાં દુષ્કાળ, પૂર અને ગરમીમાં વધારો કરી શકે છે.
સ્કાઈમેટની ચેતવણી અનુસાર આ વર્ષે વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતાં ઓછો રહી શકે છે. અંદાજ મુજબ જૂનથી સપ્ટેમ્બર વચ્ચેનો કુલ વરસાદ લગભગ 94 ટકા સુધી મર્યાદિત રહી શકે છે. જૂન મહિનામાં શરૂઆત સારી રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ‘અલ નીનો’ની અસરને કારણે વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાઈ શકે છે.અલ નીનોના વધતા પ્રભાવને કારણે વરસાદમાં ઘટાડો થવાની શક્યતા છે, જે કૃષિ, પાણી અને અર્થતંત્ર માટે ચિંતાજનક સંકેત છે. આવી પરિસ્થિતિમાં પૂર્વ તૈયારી અને યોગ્ય આયોજન જ નુકસાન ઘટાડવાનો એકમાત્ર રસ્તો બની શકે છે.
બીજીબાજુ ગુજરાતની વાત કરીએ તો રાજ્ય પર ત્રણ અલગ-અલગ સિસ્ટમ્સ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન) એકસાથે સક્રિય થઈ છે. આ કારણોસર કચ્છ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને જામનગર જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 40 કિમી/કલાક સુધી રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

