ભારત હવે ઉર્જા ક્ષેત્રમાં સુપરપાવર તરફ: ન્યૂક્લિયર રિએક્ટરે લખ્યો નવો ઈતિહાસ

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

ભારત માટે ગર્વની ક્ષણ તરીકે ગણાય તેવી એક ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, તમિલનાડુના કલ્પક્કમમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત એડવાન્સ્ડ ન્યૂક્લિયર રિએક્ટર સફળતાપૂર્વક ‘ક્રિટીકેલિટી’ પર પહોંચી ગયું છે.આ સાથે જ ભારત વિશ્વમાં રશિયા બાદ કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવનાર બીજો દેશ બનવા તરફ આગળ વધ્યું છે. આ સિદ્ધિ ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં એક મોટા માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહી છે.

https://x.com/narendramodi/status/2041187159655305350?s=20

વડાપ્રધાન મોદીએ આ સફળતાને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, આ અત્યાધુનિક રિએક્ટર તેની જરૂરિયાત કરતાં વધુ ઈંધણ ઉત્પન્ન કરવામાં સક્ષમ છે, જે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને એન્જિનિયરિંગ કૌશલ્યને પ્રતિબિંબિત કરે છે. આ રિએક્ટરની સૌથી વિશેષતા એ છે કે તે ભવિષ્યમાં ભારતના વિશાળ થોરિયમ ભંડારના ઉપયોગ માટે માર્ગ તૈયાર કરશે. ભારતના ત્રણ-તબક્કાના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં આ એક નિર્ણાયક પગલું માનવામાં આવી રહ્યું છે.

‘ક્રિટીકેલિટી’ હાંસલ કરવાનો અર્થ એ છે કે રિએક્ટર હવે સતત અને નિયંત્રિત પરમાણુ પ્રતિક્રિયા જાળવી શકે છે, જે તેના કાર્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે. આ સિદ્ધિ પર ગૃહમંત્રી અમિત શાહે પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ સફળતા ભારતને વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં આગવું સ્થાન અપાવશે અને થોરિયમ આધારિત ઉર્જા ક્ષમતા વિકસાવવા માટે માર્ગ બનાવશે.ભારતના મર્યાદિત યુરેનિયમ અને વિશાળ થોરિયમ ભંડારને ધ્યાનમાં રાખીને પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા ત્રણ-તબક્કાનો કાર્યક્રમ અપનાવવામાં આવ્યો છે, જે દેશની લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Share This Article