નેપાળ : માઉન્ટ એવરેસ્ટ પર પર્યટકોને બીમાર બનાવી કરોડોનું કૌભાંડ, હેલિકોપ્ટર રેસ્ક્યુના નામે મોટો ખેલ

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પરથી એક ચોંકાવનારો અને હેરાન કરી નાખે એવો ઈન્શ્યોરન્સ સ્કેમ સામે આવ્યો છે.જેમાં માઉન્ટ એવરેસ્ટ પર જતા પર્વતારોહકોને જાણી જોઈને બીમાર પાડી તેમની પાસે અને વીમા કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડનો આંકડો 165 કરોડ રૂપિયા જેટલો હોવાનું સામે આવ્યું છે.

નેપાળ પોલીસના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (CIB) દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રેકિંગ ગાઈડ, હેલિકોપ્ટર કંપનીઓ અને હોસ્પિટલ સ્ટાફ સહિત કુલ 32 લોકોની સંડોવણી બહાર આવી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધી 9 આરોપીઓને ધરપકડ કરી છે અને 12 માર્ચ 2026ના રોજ ચાર્જશીટ દાખલ કરી છે.

કેવી રીતે ચાલતો હતો આ સ્કેમ?
તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક ટ્રેકિંગ ગાઈડ (શેર્પા) પર્વતારોહકોના ખોરાકમાં જાણી જોઈને બેકિંગ સોડા મિક્સ કરી દેતા હતા. જેના કારણે પર્યટકોને પેટ સંબંધિત તકલીફો ઉભી થતી હતી.પછી આ ગાઈડ્સ પર્યટકોને ડરાવતા કે તેમની તબિયત ગંભીર છે અને જીવને જોખમ છે. આવા સમયે “એકમાત્ર વિકલ્પ” તરીકે મોંઘી હેલિકોપ્ટર રેસ્ક્યુ સેવા બતાવવામાં આવતી હતી.

હેલિકોપ્ટર રેસ્ક્યુના નામે લૂંટ
બીમાર બનેલા પર્વતારોહકોને હેલિકોપ્ટર દ્વારા કાઠમંડુના હોસ્પિટલોમાં લઈ જવામાં આવતા. ત્યારબાદ હેલિકોપ્ટર રેસ્ક્યુ અને સારવારના નામે ખૂબ જ મોટા બિલ બનાવવામાં આવતા અને આ રકમ બીમા કંપનીઓ પાસેથી વસૂલવામાં આવતી હતી.

300થી વધુ ફેક રેસ્ક્યુ
તપાસ અનુસાર, વર્ષ 2022થી 2025 વચ્ચે 300થી વધુ નકલી હેલિકોપ્ટર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેના આધારે મોટા પાયે બીમા ક્લેમ કરીને ઠગાઈ કરવામાં આવી હતી.

નેપાળ પોલીસે આ ગંભીર મામલે સખત પગલાં લીધા છે અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય પર્યટન ક્ષેત્રમાં ચિંતા ઉભી કરી છે, કારણ કે એવરેસ્ટ જેવા લોકપ્રિય સ્થળે આવી ઠગાઈ વિશ્વાસને ઝાટકો આપે છે.

Share This Article