ઈરાન-અમેરિકા વચ્ચે વધ્યો તણાવ, ભારતીયોને ઈરાન છોડવા એડવાઈઝરી

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

પશ્ચિમ એશિયામાં ભયાનક લશ્કરી ટકરાવની આશંકા વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતાં ઈરાનમાં વસતા હજારો ભારતીયોના જીવ જોખમમાં ન મુકાય તે માટે દૂતાવાસે સીધી સૂચનાઓ જારી કરી છે. ઈરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને નાગરિકોને દેશ(ઈરાન) છોડવાની અપીલ કરી છે. જેમાં નિર્દેશ અપાયા છે કે લોકો કોઈપણ રીતે જલ્દીથી જલ્દી ઈરાનથી બહાર નીકળી જાય. દૂતાવાસે આ મામલે કેટલાક અન્ય નિર્દેશ પણ આપ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ એશિયામાં લશ્કરી ગતિવિધિઓ તેજ બની છે. આ સ્થિતિમાં ભારતીય નાગરિકોની સુરક્ષા સર્વોપરી ગણીને દૂતાવાસે આ પગલું ભર્યું છે. અગાઉ જાન્યુઆરીમાં પણ જ્યારે અલી ખામેની (Ali Khamenei) સરકાર સામે પ્રદર્શનો થઈ રહ્યા હતા, ત્યારે પણ આવી જ સાવચેતી રાખવા જણાવાયું હતું, જેનો હવે પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.

ભારતીય દૂતાવાસની એડવાઈઝરીમાં લખ્યું હતું કે, ‘તમામ ભારતીય નાગરિક અને PIOને સંપૂર્ણ સાવધાની રાખવી જોઈએ, વિરોધ કે પ્રદર્શનવાળી જગ્યાઓથી બચવું જોઈએ, ઈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ અને કોઈપણ ડેવલપમેન્ટ માટે લોકલ મીડિયા પર નજર રાખવી જોઈએ.’

દૂતાવાસે નાગરિકોને દેશ છોડવાની સલાહ આપતા, તેમને પોતાના ઇમિગ્રેશન અને ટ્રાવેલ ડોક્યૂમેન્ટ્સ પોતાની પાસે રાખવા અને કોઈપણ મદદ માટે ઈન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરવા કહ્યું છે. ભારતીય દૂતાવાસે આ અંગે ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. ફસાયેલા નાગરિકો આ મોબાઈલ નંબરો પર સંપર્ક કરીને મદદ માગી શકે છે: +989128109115; +989128109109, +989128109102, +989932179359.

Share This Article