જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે બાળકોના યૌન શોષણની FIR

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને પ્રયાગરાજ કોર્ટ તરફથી મોટો ઝટકો પડ્યો છે.શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ નાના બાળકોના યૌન શોષણની FIR નોંધવાના આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જગદ્ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારી મહારાજે કોર્ટમાં 2 બાળકોને રજૂ કરીને આ આરોપો લગાવ્યા હતા. કેમેરા સામે કોર્ટમાં બાળકોના નિવેદનો નોંધાયા હતા.

કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં જ પોલીસ સ્ટેશનમાં શંકરાચાર્ય અને તેમના શિષ્ય મુકુંદાનંદ બ્રહ્મચારી સહિત અન્ય ત્રણ અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં સગીર બાળકોના યૌન શોષણ અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ખળભળાટ મચાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

મહાકુંભ ૨૦૨૫ અને માઘ મેળો ૨૦૨૬માં યૌન શોષણ

ઘટનાની વિગતો મુજબ, જગદગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ આ મામલે કોર્ટમાં અરજી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે માઘ મેળા દરમિયાન તેમના શિબિરમાં આવેલા બે સગીર છોકરાઓએ પોતાની આપવીતી જણાવી હતી. આ છોકરાઓએ પોતાને અવિમુક્તેશ્વરાનંદના શિષ્ય ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે મહાકુંભ ૨૦૨૫ અને માઘ મેળો ૨૦૨૬ દરમિયાન તેમની સાથે અનેકવાર બળજબરીપૂર્વક યૌન શોષણ કરવામાં આવ્યું હતું. પીડિતોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ તેઓએ આ કૃત્યનો વિરોધ કર્યો ત્યારે તેમને ડરાવી-ધમકાવીને ચૂપ કરી દેવામાં આવતા હતા.

આ ગંભીર મામલે આશુતોષ બ્રહ્મચારીએ અગાઉ ૨૪ જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ પોલીસ કમિશનર તેમજ માઘ મેળાના પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી હતી. જોકે, લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા અંતે તેમણે ન્યાયતંત્રના દ્વાર ખટખટાવ્યા હતા. શનિવારે વિશેષ અદાલતે તમામ પુરાવાઓ અને સગીરોના નિવેદનોને ધ્યાને લઈ શંકરાચાર્ય અને તેમના સાથીઓ વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો.

Share This Article