ગુજરાતમાં ન્યાયતંત્રને નિશાન બનાવીને બોમ્બની ધમકી આપવાનો સિલસિલો શરૂ થયો છે છે. આજે સવારથી જ ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની ભદ્ર કોર્ટ, સુરત, રાજકોટ અને આણંદની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ અને ફોન કોલ્સ મળતા સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર દોડતું થયું છે અને કોર્ટ પરિસરોમાં હાલ બૉમ્બ સ્ક્વોડ (BDDS) તથા ડોગ સ્ક્વોડ ટીમની મદદથી શંકાસ્પદ વસ્તુઓ અને સ્થળોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આજે હાઇકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં સુરત,આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.એક અજાણ્યા શખસે સોમવારે મોડી રાત્રે સુરત અને અમદાવાદ સહિતની કોર્ટના ઓફિશિયલ આઈડી પર મેઈલ કરીને આખા બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીને ગંભીરતાથી લઈને તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી અટકાવીને ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમની મદદથી ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે.