અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કરોડોના ખર્ચે બનેલા બ્રિજો હવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. AMC દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજો હવે ભ્રષ્ટાચાર કે નબળી ગુણવત્તાના નમૂના સમાન સાબિત થઈ રહ્યા છે. સુભાષબ્રિજ બાદ હવે શહેરના વ્યસ્ત એવા ઈન્કમટેક્સ ફ્લાય ઓવરમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. માત્ર 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ હવે વાહનચાલકો માટે જીવનું જોખમ બની રહ્યો હોય તેમ જણાય છે.
મળતી માહિતી અનુસાર, તાજેતરમાં કરવામાં આવેલા નિરીક્ષણ બાદ સામે આવ્યું છે કે ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજના સ્પાન જોઈન્ટ્સ ખુલી ગયા છે. બ્રિજના જોઈન્ટ્સને પકડી રાખવા માટે લગાવવામાં આવેલા સ્ક્રૂ હાલ ખુલ્લી અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ફાળ પડી છે.
ખુલ્લા થયેલા સ્ક્રૂ અને ગેપને કારણે વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ બની શકે છે, જે ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી રહી છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, AMC દ્વારા હજી સુધી આસપાસ કોઈ બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી કે નથી કોઈ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.