નેપાળમાં કેટલાય દિવસોથી સતત ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી નેપાળના અનેક વિસ્તારોમાં મોટા ભૂસ્ખલનની ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે.છેલ્લા 24 કલાકથી નેપાળમાં મુશળધાર વરસાદે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે.

લોકોને ઘર બહાર ન નીકળવા માટે અપીલ
ભારે વરસાદના પરિણામે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના બનતા નેશનલ હાઈવે બ્લોક થઈ ગયા છે, જેમાં સેંકડો વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે. તંત્રએ સુરક્ષાને ધ્યાને રાખીને કાઠમંડુને જોડતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે અને આગામી ત્રણ દિવસ માટે કાઠમંડુ આવવા-જવા પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પોતાના ઘરોમાં જ રહેવા અને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.
બે દિવસની જાહેર રજા જાહેર
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે રવિવાર અને સોમવાર માટે બે દિવસની જાહેર રજા જાહેર કરી છે, જ્યારે શાળાઓ અને એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.વરસાદના કારણે પરિસ્થિતિ એવી વણસી છે કે, દેશભરના એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજધાની કાઠમંડુનું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું છે. તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર આગામી બે દિવસ બંધ દેવાઈ છે. ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓએ પણ હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી ફ્લાઇટ્સ રદ થવાની માહિતી આપી છે.
