જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે પોલીસ કાર્યવાહી સતત વધી રહી છે. ત્યારે આજે શ્રીનગર પોલીસે નામચીન આતંકવાદી અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) કમાન્ડર સજ્જાદ ગુલના પિતાના નામે નોંધાયેલ ત્રણ માળનું ઘર જપ્ત કર્યું. આશરે ₹2 કરોડની કિંમતની આ મિલકત ખુશીપોરાના HMTના રોઝ એવન્યુ પર સ્થિત 15 મરલા જમીન પર આવેલી છે. આ ઘર સજ્જાદ ગુલના પિતા ગુલામ મોહમ્મદ શેખના નામે નોંધાયેલ છે, પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે સજ્જાદ ગુલ તેમાં સક્રિય ભાગ લેનાર છે. પોલીસે આ કાર્યવાહી પરિમપોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ હેઠળ કરી છે.
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કાર્યવાહી
આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને નાણાકીય અને લોજિસ્ટિક રીતે નબળું પાડવા તરફ એક મોટું પગલું છે, જે પાકિસ્તાન સમર્થિત TRFને ઉખેડી નાખવાની શક્યતા છે.જમ્મુ કાશ્મીર પોલીસે TRF વિરૂદ્ધ આ કાર્યવાહી સંબંધિત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સજ્જાદ ગુલ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, દેશ વિરોધી પ્રચાર કરવા અને ઓનલાઈન સરકાર વિરૂદ્ધ અસંતોષ ભડકાવવામાં સામેલ રહ્યો છે.
