નવસારીના વિજલપોર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે, નિરવ એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી કરૂણ મૃત્યુ થયું છે, એપાર્ટમેન્ટના બીજા માળે લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો હતો.મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષ હતી.
બાળક ફસાયાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો.બાળકને લિફ્ટમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
