પોલીસે એક એવા તાંત્રિકની ધરપકડ કરી છે જે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો આપીને લોકોને છેતરતો હતો. ખાડિયા પોલીસે વિનોદ જોશી નામના આ ઠગ તાંત્રિકને ઝડપી પાડ્યો છે. વિનોદ જોશી ઇન્સ્ટાગ્રામ પર ‘માં સાવરીયા જ્યોતિષ’, ‘તમન્ના જ્યોતિષ’ અને ‘સંતોષી કૃપા જ્યોતિષ’ જેવા નામોથી રીલ્સ બનાવતો હતો.જેમાં તે ‘મજબૂત મહા મોહીનીવશીકરણ’, ‘લગ્નમાં વિઘ્ન દૂર કરવા’, ‘છૂટાછેડા’ અને ‘વિદેશ વિઝા’ જેવી સમસ્યાઓ હલ કરવાનો દાવો કરતો હતો. તેના ઇન્સ્ટાગ્રામ પર 10,000 થી વધુ ફોલોઅર્સ હતા અને તેના બેંક ખાતામાં એક જ વર્ષમાં રૂ. 50 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા.
આ ઠગ તાંત્રિકનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ખાડિયાના એક 40 વર્ષીય વ્યક્તિએ તેની ફરિયાદ નોંધાવી. આ વ્યક્તિ એક મહિલાના એકતરફી પ્રેમમાં હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ તે સફળ ન થતાં તેણે ઇન્સ્ટાગ્રામ પર વિનોદ જોશીની રીલ્સ જોઈ. ત્યારબાદ, તેણે વિનોદ જોશીનો સંપર્ક કર્યો અને વિધિના બહાને તેણે આ વ્યક્તિ પાસેથી રૂ. 6.7 લાખ પડાવ્યા. જ્યારે આ વ્યક્તિને છેતરાયાનો અહેસાસ થયો, ત્યારે તેણે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી.
પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. ભાટીયાએ આ મામલાની તપાસ શરૂ કરી. પોલીસે સૌથી પહેલા વિનોદ જોશીનું ઇન્સ્ટાગ્રામ આઈડી ટ્રેક કર્યું. તાંત્રિક માત્ર ઓનલાઈન પેમેન્ટ લેતો હોવાથી પોલીસે તેના પેટીએમ અને ગુગલ પે એકાઉન્ટની માહિતી મેળવી. આ માહિતીના આધારે, પોલીસ બેંક સુધી પહોંચી અને બેંકના KYC માંથી વિનોદ જોશીનું આખું નામ, સરનામું અને મોબાઈલ નંબર મેળવ્યો. જેના આધારે પોલીસે બાપુનગરની ચંદ્રભાગા સોસાયટી, સૂરજનગર ખાતેથી વિનોદ જોશી (ઉં.33)ની ધરપકડ કરી.