જર્મનીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ જર્મનીમાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત રીડલિંગેન નજીક, મ્યુનિકથી લગભગ 158 કિલોમીટર દૂર, સાંજે 6:10 વાગ્યે બન્યો.
ટ્રેન સિગ્મરિંગેનથી ઉલ્મ તરફ જઈ રહી હતી, જ્યારે તેના બે કોચ જંગલ વિસ્તારમાં પાટા પરથી ઉતરી ગયા. આ ઘટનાએ સમગ્ર જર્મનીમાં શોકની લાગણી ફેલાવી છે. અકસ્માતની જાણ થતાં જ બચાવ ટીમો, અગ્નિશામકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ અકસ્માતને “માસ કેઝ્યુઅલ્ટી ઇવેન્ટ” તરીકે જાહેર કરવામાં આવ્યો, કારણ કે લગભગ 100 મુસાફરો ટ્રેનમાં સવાર હતા, અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. બિબેરાચ જિલ્લાના ફાયર ચીફ શાર્લોટ ઝિલરના જણાવ્યા મુજબ, લગભગ 50 લોકો ઘાયલ થયા, જેમાંથી 25ની હાલત ગંભીર છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા નજીકની હોસ્પિટલો, ખાસ કરીને ઉલ્મ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.