ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, દારૂબંધીના લીરેલીરા ઉડતી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક ગામમાં દારૂબંધીના કડક અમલને લઈ મહત્વનો નિર્ણય લેવાયો છે. સા તાલુકામાં આવેલા ઢુવા ગામના લોકો તેમના ગામમાંથી દારૂની બદીને નાથવા માટે અનોખું બંધારણ તૈયાર કર્યું છે. આ બંધારણ અંતર્ગત ગામમાં કોઈ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન કરીને ગધેડા પર જુલૂસ નીકાળવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.
યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા, ગામમાં સ્વચ્છતા જાળવવા, શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુંથી ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. જેમાં દારૂનું વેચાણ કરનાર ઝડપાશે તો તેનું મુંડન કરીને 11 હજાર રૂપિયાનો દંડ વસૂલાશે.
આ નિર્ણય અનુસાર, ઢુવા ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરી શકશે નહીં. જો બહારગામનો કોઈ વ્યક્તિ દારૂ વેચતો પકડાશે તો તેને ઢુવા ગામમાં મુંડન કરીને વરઘોડો કાઢવામાં આવશે અને 11, 000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગામમાં દારૂ વેચનારાઓને આ નિયમોનું પાલન નહીં કરે તો પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે.