હવે જેટલી મુસાફરી તેટલો જ ટોલ ટેક્સ, સરકાર લાવી શકે છે નવી ટોલ પોલિસી

Chintan Gohil
By Chintan Gohil 2 Min Read

જો તમે લાંબા રૂટ પર કાર દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દેશમાં નવી ટોલ નીતિ લાવવાની યોજના બનાવી રહ્યું છે. આ નવી નીતિ હેઠળ, ડ્રાઇવરોએ તેઓ જેટલા કિલોમીટર મુસાફરી કરશે તેના પર જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે, નવી ટોલ નીતિ કિલોમીટર આધારિત ટેક્સ વસૂલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી ટોલ નીતિ આગામી અઠવાડિયા કે 10 દિવસ સુધીમાં લાગુ થઈ શકે છે. તેનો હેતુ ટોલ વસૂલાતની હાલની વ્યવસ્થાને વધુ પારદર્શક, અનુકૂળ અને આર્થિક બનાવવાનો છે.

ટોલ બૂથ પર લાગશે Fastags અને અદ્યતન કેમેરા

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ નીતિ હેઠળ, દરેક ટોલ બૂથ પર FASTags અને કેમેરા લગાવવામાં આવશે અને કાર માલિકના બેંક ખાતામાંથી સીધો ટોલ વસૂલવામાં આવશે. સરકાર નવી ટોલ નીતિને સરળતાથી લાગુ કરવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેકનોલોજી પર આધારિત એક અદ્યતન સિસ્ટમ લાવવાની પ્રક્રિયામાં છે. આ નીતિ દેશભરમાં એક્સપ્રેસવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા લોકોને રાહત આપવા માટે બનાવવામાં આવી છે.

મુસાફરોને થશે આર્થિક રીતે ફાયદો

હાલમાં, નેશનલ હાઇવે ફી નિયમો, 2008 અનુસાર, વપરાશકર્તાઓએ રોડ પ્રોજેક્ટ હેઠળ રસ્તાની લંબાઈના આધારે ટોલ ફીની એક નિશ્ચિત રકમ ચૂકવવી પડે છે, જે સામાન્ય રીતે 60 કિમી હોય છે. જો આ નવી નીતિ લાગુ કરવામાં આવે છે, તો તે માત્ર મુસાફરીને સરળ બનાવશે જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે.

સરકારની આ નવી પહેલ માત્ર મુસાફરીને સરળ બનાવશે નહીં પરંતુ ટ્રાફિક જામ, ઈંધણનો બગાડ અને સમય પણ બચાવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવી ટોલ નીતિ લાગુ થયા બાદ દેશભરના હાઈવે પર મુસાફરી પહેલા કરતાં સસ્તી,ઝડપી અને વધુ અનુકૂળ બનશે.

Share This Article