ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, મૂડીઝ રેટિંગ્સે એક મોટી ચેતવણી જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર, જો આ તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો પાકિસ્તાનને સૌથી વધુ નુકસાન થશે. મૂડીઝના જણાવ્યા મુજબ, ભારત સાથેના તણાવના કારણે પાકિસ્તાનને અર્થતંત્રને ભારે ફટકો પડી શકે છે, જે સરકારની રાજકોષીય એકત્રીકરણ પ્રક્રિયાને પણ પાટા પરથી ઉતારી શકે છે. આનાથી પાકિસ્તાનની આર્થિક સ્થિરતા માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે.
મૂડીઝે જણાવ્યું હતું કે પાકિસ્તાનને ભારતની સાથે કોઈપણ પ્રકારનો લશ્કરી સંઘર્ષ પોષાય તેમ નથી આવું કંઈપણ થયું તો તેણે રીતસરનું દેવાળું ફૂંકવાનો વારો આવશે. કોરોનાના લીધે પાકિસ્તાનનું અર્થતંત્ર પડી ભાંગ્યુ હતુ અને હાલમાં તે આઇએમએફની લોન પર જીતી રહ્યું છે. હવે જો ભારત સાથે ટૂંકા ગાળાનો પણ લશ્કરી સંઘર્ષ થાય તો પણ પાકિસ્તાનનું અર્થતંત્ર ખતમ થઈ જાય તેમ છે.
વિદેશી દેવા અને ફોરેક્સ રિઝર્વ પર કટોકટી ઊભી થઈ રહી છે
મૂડીઝે ચેતવણી આપી છે કે વર્તમાન તણાવ પાકિસ્તાનની બાહ્ય ભંડોળ મેળવવાની ક્ષમતાને અસર કરી શકે છે. ઉપરાંત, તેની પાસે જે વિદેશી હૂંડિયામણ અનામત છે તે આગામી વર્ષોમાં તેના બાહ્ય દેવાની ચૂકવણી કરવા માટે અપૂરતું હોઈ શકે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે IMF જેવી સંસ્થાઓ પાસેથી મદદ મેળવવી મુશ્કેલ બની શકે છે.