નવસારીના ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 27 વર્ષ અગાઉ થયેલી હત્યાના આરોપમાં સજા દરમિયાન જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવામાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. નવસારી LCB પોલીસે 10 મહિનાની મહેનત બાદ પાટણના શંખેશ્વર ખાતેથી આરોપીને પકડી પાડ્યો છે.
હત્યા પહેલાના લગ્નનો વીડિયો મેળવી પોલીસે આરોપીની ઓળખ કરીને સાધુ વેશમાં ફરીને તેનું પગેરૂ શોધી કાઢ્યું હતું. હત્યાનો આરોપી પ્રવીણ પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો આરોપી પ્રવિણમાંથી સાધુ બની પ્રભુદાસ નામ ધારણ કરી પાટણના શંખેશ્વરમાં છુપાયો હતો.
આરોપીને પકડવા પોલીસ બની સાધુ
હત્યારા પ્રવીણમાંથી સાધુ બનેલા પ્રભુદાસને ઝડપી પાડવા પોલીસે પણ સાધુ વેશ લીધો હતો અને અંતે શંખેશ્વર મોમાઈ માતાના મંદિરેથી આરોપી પ્રભુદાસ ઉર્ફે પ્રવીણ ચેતનદાસની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.