રશિયાના ક્રીમિયામાં બુધવારે સવારે એક મોટી સૈન્ય હોનારત સર્જાઈ છે. રશિયન સેનાનું An-26 વિમાન એક ઊંચા પહાડ સાથે અથડાવાને કારણે ક્રેશ થઈ ગયું છે. આ ભીષણ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.એવું કહેવાય છે કે તેમાં 23 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન કાળા સમુદ્ર નજીક ક્રિમીયન દ્વીપકલ્પ પર ઉડાન ભરી રહ્યું હતું. રશિયન સમાચાર એજન્સીઓ અનુસાર, ક્રેશ (Plane Crash) થયાના થોડા સમય પહેલા વિમાનનો કંટ્રોલ રૂમ સાથે અચાનક સંપર્ક તૂટી ગયો હતો. વ્યાપક શોધખોળ પછી, જ્યારે વિમાનનું સ્થાન મળ્યું, ત્યારે જાણવા મળ્યું કે તે સીધું પર્વત સાથે અથડાયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે ક્રેશ સ્થળ પરથી કોઈ બચી ગયેલ વ્યક્તિ મળી નથી.
વિમાનનો કાટમાળ મળી આવ્યો છે, પરંતુ હજુ પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી RIA ના પ્રારંભિક રિપોર્ટ મુજબ, આ ક્રેશ પાછળનું કારણ કોઈ મોટી તકનીકી ખામી હોઈ શકે છે. તપાસ એજન્સીઓ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું વિમાનના એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી કે પછી ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.