કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન

Chintan Suthar

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે તેલ અને ગેસનો વૈશ્વિક પુરવઠો ખોરવાયો છે, જેના કારણે વિશ્વના ઘણા દેશો ઈંધણ સંકટનો સામનો કરી રહ્યા છે. ભારત પણ આ સંકટનો સામનો કરી રહ્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર અનેક પગલાં ભરી રહી છે. ત્યારે ભારત સરકારે આ મામલે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે કેરોસીનનું વેચાણ માત્ર રેશનિંગની દુકાનો (PDS) દ્વારા જ કરવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા સરકારે તેના નિયમોમાં કામચલાઉ ફેરફાર કર્યો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેરાત કરી છે કે, દેશમાં કેરોસીનની અછતને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ સુરક્ષા અને લાયસન્સિંગના નિયમોમાં તાત્કાલિક અસરથી છૂટછાટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે દેશમાં વૈકલ્પિક ઈંધણ તરીકે 48,000 કિલોલીટર વધારાનું કેરોસીન વહેંચ્યું છે. ત્યારે કેરોસીનને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી છે.

સરકારે હવે ખાનગી અને સરકારી પેટ્રોલ પંપ (રિટેલ આઉટલેટ્સ) પરથી પણ કેરોસીનના વેચાણને મંજૂરી આપી છે. જોકે આ નવી વ્યવસ્થા હાલ પૂરતી આગામી 60 દિવસ માટે લાગુ કરવામાં આવી છે. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેને લંબાવવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.

સરકારની સ્પષ્ટતા

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કેરોસીનનો પુરવઠો માત્ર ઘરેલું વપરાશ- જેમ કે રસોઈ બનાવવા અને પ્રકાશ માટે જ કરવામાં આવશે, જેથી તેનો દુરુપયોગ રોકી શકાય. આ ફેરફારો હેઠળ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંચાલિત પસંદગીના પેટ્રોલ પંપોને કેરોસીન સ્ટોરેજ અને ડિસ્ટ્રિબ્યુશનની મંજૂરી આપવામાં આવી છે. જે પેટ્રોલ પંપને આ માટે પસંદ કરવામાં આવશે, તે મહત્તમ 5,000 લિટર સુધી કેરોસીન સ્ટોર કરી શકશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *