કાબુલમાં હોસ્પિટલ પર પાકિસ્તાની એરસ્ટ્રાઈક, હુમલામાં 400 લોકોના મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

એક તરફ ઈઝરાયેલ-અમેરિકા બંને મળીને ઈરાનને ખતમ કરવા માટે લડી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આમ, કુલ પાંચ દેશો વચ્ચે હાલના સમયમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરી રહ્યું છે. એવામાં હવે અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ સહિત રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ હુમલામાં 400 લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ ઈજાગ્રસ્ત છે.

https://x.com/SkyYaldaHakim/status/2033662856210608242?s=20

મળતી માહિતી મુજબ, તાજેતરમાં પાકિસ્તાને 16 માર્ચ (સોમવાર)ની રાતે અફઘાનિસ્તાનમાં વધુ એક મોટો હવાઈ હુમલો કર્યો છે. પાકિસ્તાનની એરસ્ટ્રાઈકમાં અફઘાનિસ્તાનમાં અનેક લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું કે, કાબુલના નશામુક્તિ કેન્દ્રવાળી હોસ્પિટલ પર પાકિસ્તાની હુમલામાં ઓછામાં ઓછા 400 લોકોના મોત થયા છે અને લગભગ 250 લોકો ઘાયલ થયા છે.

જોકે બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ અફઘાનિસ્તાનના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પાકિસ્તાને કહ્યું છે કે હુમલા અત્યંત સચોટ હતા અને માત્ર સૈન્ય ઠેકાણાઓ તથા ‘આતંકવાદી’ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ નિશાન બનાવવામાં આવ્યા હતા, કોઈ પણ એવી જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી નથી જ્યાં સામાન્ય લોકો રહેતા હોય.

Share This Article