ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ઊર્જા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ‘સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો સળગતો રાખવાની છે.’
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગેસ પુરવઠા (Gas Supply)અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકારની પ્રાથમિકતા સામાન્ય નાગરિકોના ઘરો સુધી ગેસ પહોંચાડવાની છે. મંત્રીએ ઋષિકેશભાઈ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, પુરવઠાની ખેંચને પહોંચી વળવા માટે ઇન્ડસ્ટ્રીયલ ગેસ (Industrial Gas)માં 50 ટકાનો મોટો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ફર્ટિલાઈઝર અને ડેરી (Fertilizer and Dairy) સેક્ટરમાં પણ 40 ટકા જેટલો ગેસ કાપ લાદવામાં આવ્યો છે. આ પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલું વપરાશકારોને પડતી મુશ્કેલી નિવારવાનો છે.
ઉલ્લેખનીય છેકે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ગેસ અછતને લઈ એસ્મા પણ લાગુ કરવામાં આવ્યો છે.