સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન (Stray Dogs) સાથે જોડાયેલા કેસોમાં સતત દાખલ થઈ રહેલી અરજીઓની સંખ્યા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે રખડતાં કૂતરાંને રસ્તા પરથી હટાવવાં પડશે. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે શ્વાન કરડવાની વધતી ઘટનાઓ અને હાઇવે પર રખડતા ઢોર અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે.
સુનાવણી દરમિયાન અરજદાર વતી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, “મને ક્યારેક કોઈ શ્વાન કરડ્યું નથી.” જેના જવાબમાં ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે મહત્વની ટિપ્પણી કરી કે તમે નસીબદાર છો. બાળકોને શ્વાન કરડી રહ્યા છે. લોકો મરી રહ્યા છે. શ્વાન ક્યારે કરડવાના મૂડમાં છે કે ક્યારે નહીં એ જાણી શકાય નહીં, તમે તેનું મન વાંચી ન શકો. ઉપચાર કરતાં નિવારણ કરવું વધુ સારું છે.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, સામાન્ય રીતે મનુષ્યો સાથે જોડાયેલા ગંભીર કેસોમાં પણ આટલી મોટી સંખ્યામાં વચગાળાની અરજીઓ (IA) આવતી નથી, જેટલી કૂતરાઓના મુદ્દે આવી રહી છે.રહેણાંક વિસ્તારોમાં શ્વાનો ન રહે એ માટે કોર્ટે મ્યુનિસિપલ તંત્રને તમામ પરિસરોનું નિયમિત નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત સંસ્થાઓમાં શ્વાન કરડવાની ઘટનાઓ બનવીએ માત્ર વહીવટી ઉદાસીનતા જ નહીં પરંતુ “નિષ્ફળતા” છે.