ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે નવેમ્બર 2025માં એક મોટી કાર્યવાહી કરીને ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા, જેમાં અત્યંત ઘાતક ઝેર ‘રાઈસિન’નો ઉપયોગ કરવાની યોજના હતી. ત્યારે ગુજરાત ATSએ પકડેલા 3 આતંકી કેસમાં મોટો વળાંક આવ્યો છે. આતંકીઓ પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયાં બાદ કેસની ગંભીરતા ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ NIAને સોંપવાનો આદેશ આપ્યો છે. NIAની અમદાવાદ યુનિટ આ આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરશે.
નોંધનીય છે કે ગત નવેમ્બર 2025માં ગુજરાત ATSએ અડાલજ-ઝુંડાલ હાઇવે નજીક ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન અને આઝાદ સુલેમાન શેખની સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ, કેસ્ટર ઓઇલ એટલે કે રાઈસિન ઝેર બનાવવા માટેનો કાચો માલ અને અન્ય રાસાયણિક સામગ્રી મળી આવી હતી.
મુખ્ય આરોપી ડૉ. સૈયદ અફઘાનિસ્તાનમાં રહેતા ISIS હેન્ડલર ‘અબુ ખદીજા’ના સંપર્કમાં હતો અને તેના માર્ગદર્શન હેઠળ રાઈસિન ઝેર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. તેઓ અમદાવાદ, દિલ્હી, લખનૌ સહિત અનેક શહેરોમાં હુમલાનું આયોજન કરી રહ્યા હતા.
હવે NIA તપાસમાં શું થશે?
આ ત્રણેય આતંકવાદી ગ્રુપ સાથે કેવી રીતે જોડાયા અને ફંડિંગ ક્યાંથી આવતું હતું તેની તપાસ થશે. ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોમાં તેમના અન્ય કોઈ સાથીદારો કે સ્લીપર સેલ સક્રિય છે કે કેમ તેની વિગતો મેળવવામાં આવશે. કબજે કરેલા લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા ડાર્ક વેબ પર થયેલી વાતચીતની NIA દ્વારા ઝીણવટભરી તપાસ કરાશે.