IKDRC–ITS ખાતે છેલ્લા બે વર્ષથી જે ચાલી રહ્યું છે, તેને કોઈપણ સંજોગમા “અનિયમિતતા” કહી શકાય નહીં. દેશના પ્રધાનમંત્રીએ ગરીબ અને જરૂરતમંદ દર્દીઓ માટે શરૂ કરેલી ફ્રી સારવારની યોજના પાછળ સંતાઈને કરાયેલી ખુલ્લી લૂંટ અને અમાનવીય અત્યાચાર છે. પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અને આયુષ્માન ભારત યોજના હેઠળ જે ડાયાલિસિસ સેવાઓ તદ્દન મફત હોવી જોઈએ, એ જ સેવાઓ માટે ગરીબ અને લાચાર દર્દીઓ પાસેથી દરેક ડાયાલિસિસ માટે ₹1650 લેખે સતત વસૂલવામાં આવે છે.
IKDRCમાં બે વર્ષથી ડાયાલિસિસ ફ્રોડ અને કરોડોની રમત?
સૌથી શરમજનક બાબત એ છે કે આ જ સમયગાળા દરમિયાન 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ થવાનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો. સિદ્ધિઓના પોસ્ટર લાગ્યા, અભિનંદન આપવામાં આવ્યા અને પોતે પોતાની પીઠ થપથપાવવામાં આવી. પરંતુ એ જ સમયે, જેમની બીમારી અને લાચારી પર આ સમગ્ર સિસ્ટમ ઉભુ છે, એવા ગરીબ દર્દીઓ પાસેથી ફ્રી ડાયાલિસિસની જગ્યાએ પૈસા લેવામાં આવતા રહ્યા. પ્રશ્ન એ છે કે શું સિદ્ધિઓ ઉજવવા માટે ગરીબનુ ખીસ્સુ કાપવુ જરૂરી હતુ, કે પછી આ બધું એટલી જાડી ચામડી સાથે કરવામાં આવ્યું કે કોઈ જવાબદારીની ચિંતા જ રહી નહીં?
PMNDP અને આયુષ્માન ભારત યોજના હેઠળ જે ડાયાલિસિસ સેવાઓ તદ્દન મફત હોવી જોઈએ
દસ્તાવેજો અને તાજા કેસોમાં હવે સ્પષ્ટ રીતે સામે આવ્યું છે કે PMNDPના સરકારી પોર્ટલ પર ડાયાલિસિસ સેશનની OTP આધારિત એન્ટ્રી કરવામાં આવી, એટલે રેકોર્ડમાં ડાયાલિસિસ સરકારી યોજના હેઠળ બતાવવામાં આવ્યું, જ્યારે હકીકતમાં એ જ ડાયાલિસિસ માટે દર્દી પાસેથી પૈસા લેવામાં આવ્યા. જ્યારે-જ્યારે ફરિયાદ થઈ, ત્યારે કેટલાક કેસોમાં પૈસા પરત કરાયા. આ પોતે જ સ્વીકારે છે કે પૈસા ખોટી રીતે લેવામાં આવ્યા હતા. જો આ ખરેખર “ભૂલ” હોત તો રિફંડ મેળવવા માટે ફરિયાદ ના કરવી પડત રિફંડ આપમેળે થાત, દબાણ બાદ નહીં.મામલો અહીં પૂરો થતો નથી. ઘણા એવા દર્દીઓ, જે બાદમાં આયુષ્માન ભારત યોજના હેઠળ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દાખલ થયા, તેમની પાસેથી ટ્રાન્સપ્લાન્ટ પહેલાં અને સારવારની પ્રક્રિયા દરમિયાન પણ ડાયાલિસિસના પૈસા વસૂલવામાં આવ્યા.
જ્યારે ટ્રાન્સપ્લાન્ટ આયુષ્માન યોજના હેઠળ થવા નુ હોય ત્યારે તેની સાથે સીધી રીતે જોડાયેલી જીવનરક્ષક ડાયાલિસિસ સેવા માટે અલગથી વસૂલાત કયા કાયદા અને કઈ નૈતિકતાના આધાર પર કરવામાં આવી? તેમને PMNDP હેઠળ ફ્રી ડાયાલિસિસની સુવિધા મળવી જોઈતી હતી. જો છેલ્લા બે વર્ષના તમામ PMNDP અને આયુષ્માન-લિંકડ કેસોની સાચી અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે, તો આ રકમ લાખોમાં નહીં પરંતુ કરોડો રૂપિયામાં પહોંચવાની પૂરી શક્યતા છે.