કેન્દ્રની મોદી સરકાર યુપીએ સરકાર વખતની વધુ એક યોજનાને સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગાને નાબૂદ કરીને ગ્રામીણ રોજગાર માટે નવો કાયદો લાવવા માટે એક બિલ લોકસભાના સભ્યો વચ્ચે પરિપત્ર કર્યો છે. આ નવા કાયદાને ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, 2025’ કહેવામાં આવશે. આ બિલનો ઉદ્દેશ્ય વિકસિત ભારત 2047 ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે સુસંગત ગ્રામીણ વિકાસ માળખું સ્થાપિત કરવાનો છે.
મળતી માહિતી મુજબ મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (MGNREGA) ને સમાપ્ત કરીને નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવાની તૈયારીમાં છે. સરકારે આ સંબંધિત બિલની નકલ લોકસભા સાંસદો વચ્ચે વહેંચી છે.
ન્યૂઝ એજન્સી PTI એ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા. આ બિલ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરી શકાય છે. બિલનું નામ ‘વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી (VB-G RAM G) બિલ, 2025’ રાખવામાં આવ્યું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ‘વિકસિત ભારત 2047’ ના રાષ્ટ્રીય વિઝન અનુસાર ગ્રામીણ વિકાસ માટે નવું માળખું તૈયાર કરવાનો છે. કામના દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 દિવસ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે,મનરેગા (MGNREGA) યોજના યુપીએ (UPA) સરકાર દ્વારા ઓગસ્ટ 2005માં શરૂ કરવામાં આવી હતી અને તત્કાલીન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળ 2009માં તેને ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા’ તરીકે લાગુ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોને 100 દિવસની રોજગારીની ગેરંટી આપવાનો હતો.
શું છે મનરેગા?
મનરેગાએ સૌથી મોટો કામની ગેરંટી આપતો એક પ્રોગ્રામ છે. જેને 2005માં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયો હતો. મનરેગા અંતર્ગત 15.4 કરોડ એક્ટિવ વર્કર છે. આ યોજના એક ફ્લેગ શિપ પ્રોગ્રામ છે. જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ પરિવારોની આજીવિકા સુરક્ષામાં સુધારો કરવાનો છે. જેના દ્વારા દરેક પરિવારને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની ગેરંટીકૃત રોજગારી પૂરી પાડવામાં આવે છે, જેમના પુખ્ત સભ્યો સ્વેચ્છાએ અકુશળ મેન્યુઅલ મજૂરીમાં જોડાય છે.શરૂઆતમાં તેને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 કહેવામાં આવતું હતું.