દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે રેકૉર્ડ લેવલ પર પ્રદૂષણ પહોંચી ગયું છે. રવિવારે શહેરમાં એક્યુઆઈ (ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ) વધીને 461 થયો હતો અને કેટલીક જગ્યાએ 500ની નજીક પહોંચી ગયો છે. રોહિણી અને વઝીરપુર જેવા વિસ્તારોમાં AQI 500 ની નજીક નોંધાયું. નવી દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર NCRમાં જાહેર આરોગ્ય, ટ્રાફિક અને રોજિંદા જીવન પર પ્રદૂષણના આ ગંભીર સ્તરની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. એટલું જ નહીં દિલ્હીના ખરાબ હવામાનની શાળાઓ, ઓફિસો અને સુપ્રીમ કોર્ટ પર અસર જોવા મળી હતી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે હાઇબ્રિડ મોડ અપનાવવાની સલાહ આપી છે. તેમણે સલાહ આપી છે કે, શક્ય હોય ત્યાં, સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરવામાં આવે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ આ સંદર્ભમાં એક પરિપત્ર જારી કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે અગાઉ દિલ્હીમાં હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેવાની અપેક્ષા છે. 15 થી 19 ડિસેમ્બર સુધી, દિલ્હી-NCR, ચંદીગઢ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસ રહેવાની અપેક્ષા છે. ગાઢ ધુમ્મસ રોડ, રેલ અને હવાઈ ટ્રાફિકને પણ અસર કરી શકે છે.
બીજીબાજુ અક્ષરધામ સહિત ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 50 મીટર સુધી સીમિત થઈ ગઈ. ધુમ્મસ-ધૂળના કારણે 40 ફ્લાઇટ રદ કરવામાં આવી, જ્યારે 300 મોડી ચાલશે.ડોકટરોએ બાળકો, વૃદ્ધો અને શ્વાસના દર્દીઓને સાવચેતી રાખવા જણાવ્યું છે. હવામાન વિભાગ અનુસાર સોમવારથી પવનની ગતિ વધવા પર સામાન્ય રાહત મળી શકે છે.
