અમદાવાદના થલતેજ ગુરુદ્વારા પાસે આવેલા અંડરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.સવારે લગભગ 5 વાગ્યે, SG હાઇવે પર ગુરુદ્વારા પાસેના અંડરબ્રિજમાં એક આઇશર ટ્રક બંધ પડી ગઈ હતી. આ દરમિયાન, એક બ્લેક કલરની કિયા સેલ્ટોસ કાર ખૂબ જ ઝડપથી થલતેજથી ઇસ્કોન તરફ જઈ રહી હતી. કારની ઝડપ વધુ હોવાથી ડ્રાઈવરને અંડરબ્રિજમાં બંધ પડેલી આઈશર ટ્રક દેખાઈ નહી અને કાર ધડાકાભેર આઈશરની પાછળના ભાગે અથડાઈ હતી.
કાર ચલાવતા યુવક આર્યન બત્રા (આંબલીના રહેવાસી) ને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જ્યારે કારમાં તેમની સાથે બેઠેલી તેમની બે મિત્રો, પ્રિયાંશી ચોક્સી અને કીર્તી અગ્રવાલ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બંને નવરંગપુરાની PG હોસ્ટેલમાં રહેતી હતી. અકસ્માત બાદ આઇશર ટ્રકનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
