પર્યાવરણ અને પાણી બચાવના ક્ષેત્રમાં ગુજરાતથી એક નવી પહેલ થઈ છે.યુનિવર્સલ વોટર રજિસ્ટ્રી (UWR) દ્વારા “UWRXpress” નામે એશિયાનું પહેલું વોટર ક્રેડિટ ઇ-માર્કેટપ્લેસ લોન્ચ થયું છે.
આ પહેલનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પર્યાવરણ અને હવામાન પરિવર્તન વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું.આ પ્લેટફોર્મ પર કોઈપણ વ્યક્તિ, સંસ્થા અથવા કંપની પોતાના પાણી બચાવના પ્રોજેક્ટને નોંધાવી શકે છે અને તેના માટે “વોટર ક્રેડિટ” મેળવી શકે છે. આ ક્રેડિટ્સ અન્ય કંપનીઓ ખરીદી શકે છે — જેથી પાણી બચાવને સીધી આર્થિક કિંમત મળી શકે.

UWRXpress મારફતે ગામડાંથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે જળ સંરક્ષણને નવી દિશા મળશે. પાણી બચાવને હવે “મૂલ્યવાન એસેટ” તરીકે માન્યતા મળવાની શરૂઆત થઈ છે.
UWRના CEO શ્રી વિહાર પંચોલીએ જણાવ્યું કે, “આ પહેલ ફક્ત એક ડિજિટલ માર્કેટપ્લેસ નથી, પણ પાણી સંરક્ષણને મૂલ્ય આપવાની નવી વિચારધારા છે.”
આ પ્લેટફોર્મ પર જળ બચાવના વિવિધ પ્રોજેક્ટ — જેમ કે રીચાર્જ તળાવો, રીસાયકલિંગ પ્રોજેક્ટ્સ વગેરે —ની માહિતી પારદર્શક રીતે ઉપલબ્ધ રહેશે. ખરીદી-વેચાણની પ્રક્રિયા પણ સરળ અને ખુલ્લી રહેશે.
