રવિવારે નવી મુંબઈના ડીવાય સ્ટેડિયમ ખાતે રમાયેલી મહિલા વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું.મહિલા ટીમે પહેલી વખત વિશ્વ કપ ટ્રોફી પોતાના નામ કરી દીધા છે. ટીમ ઇન્ડિયાની જીતમાં શેફાલી વર્માએ અને દિપ્તી શર્માએ મહત્વની ભૂમિકા ભજવી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે તે કરી બતાવ્યું જે મહિલા ક્રિકેટમાં આજદિન સુધી કોઈ કેપ્ટન નથી કરી શક્યું હતું.
ભારત તરફથી આપેલા 299 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે લોરા વુલ્વાર્ડ્ટના શતક હોવા છતાં ફાઇનલ મુકાબલો હારી ગઈ છે.ભારતીય વિમેન્સ ટીમે આ સાથે પહેલી વાર આઇસીસીના કોઈ પણ ફોર્મેટમાં મેજર ટ્રોફી જીતી હતી. અગાઉ ભારતે બે વાર ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ ટાઇટલથી વંચિત રહ્યું હતું પરંતુ આ વખતે ભારત વિમેન્સ ટીમે કોઈ કચાસ રાખી ન હતી એટલું જ નહીં પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ અને ખાસ કરીને રવિવારની ફાઇનલમાં તેનો દબદબો રહ્યો હતો.
ભારત માટે શેફાલી વર્માએ 87 રન ફટકારવા ઉપરાંત બોલિંગમાં પણ કમાલ કરી હતી તો દિપ્તી શર્માએ પણ અડધી સદી ફટકારવા ઉપરાંત સાઉથ આફ્રિકન કેપ્ટન અને સદી ફટકારનારી લૌરા વોલવાર્ડ સહિત પાંચ મહત્વની વિકેટો ખેરવી હતી.
રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટે 298 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ સારી લડત આપી હતી પરંતુ અંતે તે 45.3 ઓવરમાં 246 રન કરી શક્યું હતું. આમ ભારતનો બાવન રનથી વિજય થયો હતો.
