અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયો છે. ખેડૂતોના પાક પર પાણી ફરી વળતાં ભારે નુકસાન થયું છે. જેની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ અસર વર્તાઈ રહી છે.
તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMDએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે આગામી 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત હોવા અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું.
